24 February 2011

શું તમે પરણેલા છો ?શું તમે વર્લ્ડ કપ જોવા માંગો છો ?‏

શું તમે પરણેલા છો ?
શું તમે વર્લ્ડ કપ જોવા માંગો છો ?
શું ઘરમાં ટીવી પર તમારો કબજો નથી ?
 
તો વર્લ્ડ કપ જોવા માટેનાં કેટલાંક અધીર અમદાવાદી બ્રાંડ ઉપાયો.
  1. સહેલામાં સહેલો રસ્તો છે કે બીજું ટીવી વસાવી લો. એ ન પોસાય તો આગળ વાંચો.
  2. જો તમારે બાળક હોય તો એને મેચમાં જોવા તૈયાર કરો. તમને એ ના પાડશે પણ બાળકને ના નહિ પાડી શકે.
  3. જો એને સંગીતનો શોખ હોય તો એને આઈ પોડ લાવી આપો અને એનાં મનગમતા ગીત શોધીને એમાં લોડ કરી આપો. મેચ વખતે એ કચકચ નહિ કરે.
  4. જો એને વાંચવાનો શોખ હોય તો એનાં મનગમતા લેખકની વાર્તાની ચોપડીઓ લઇ આવો.
  5. ઘરમાં ગાર્ડનિંગના ટુલ લઇ આવો. એને કહો કે તારા પપ્પાના ત્યાં બહુ સરસ બગીચો છે. શું આપણો બગીચો એવો ન બને ? એ તમને કામમાં જોતારવાના પેંતરા કરે તો એથી બચવાના બહાના માટે આ લખનારની ટીપ્સ એસ.એમ.એસ. દ્વારા મેળવો. (સબસ્ક્રિપ્શન ચાર્જીસ એપ્લાય)
  6. વર્લ્ડ કપના સમય ગાળા દરમિયાન શ્રીમતીજી ને પિયર જવા પ્રોત્સાહન આપો. કહો : બકા, બહુ સમયથી તું પિયર ગઈ જ નથી નહિ ? છેલ્લે ફોન આવ્યો ત્યારે મમ્મી પણ તને બહુ યાદ કરતી હતી.
  7. વર્લ્ડ કપ ચાલતો હોય ત્યારે પત્નીને કોઈ કુકિંગ, સ્વીમીંગ, જીમ, ડાન્સ, ક્રાફ્ટ એવા કોઈ ક્લાસ જોઈન કરાવી દો. બે ક્લાસ બેક-ટુ-બેક હોય તો બેસ્ટ. જરુરુ પડે તો એને સ્કુલ-કોલેજ દરમિયાન શું હોબી હતો એ તપાસ કરો અને એને અનુરૂપ એક્ટીવીટી શોધી કાઢો.
  8. કોઈ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને રોકી સમદુખિયાઓ ભેગા થઇ પત્નીઓ માટેની કીટી પાર્ટીનું આયોજન કરો. આ કંપનીઓ કરાર મુજબ તમારા ઘેર ફોન કરીને તમારી પત્નીને ઇનામમાં પાર્ટીનું આમંત્રણ આપશે. કહેવાની જરૂર નથી કે આવી પાર્ટીઓ વર્લ્ડ કપની મેચ સમયે જ ગોઠવાશે.
  9. ઘરમાં ધોની અને બ્રેટ લીના પોસ્ટર લગાવો. ફાંદધારી પતિ કરતાં ક્રિકેટરો જોવા એ લોકો વધારે પસંદ કરશે. (મારી સામે આંખો ના કાઢો. તમારો જે પેટનો વિસ્તાર છે એને ગુજરાતીમાં ફાંદ જ કહેવાય.) પણ આમ કરતાં પણ એ તમને મેચ જોવા દેશે. અને ધોની કે લી સુધી એ પહોંચી શકવાની નથી, એટલે ખોટી ચિંતા કરવી નહિ.
  10. અને છેલ્લો ઉપાય. રીમોટ હાથમાં લો. પગ પર પગ ચઢાવીને બેસો. અને બોલો : ‘હું બધ્ધી મેચ જોવાનો છું, જા થાય એ ભડાકા કરી લે !’
હેપ્પી વર્લ્ડ કપ વ્યુંઈંગ......